સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી દ્વારા પોતાની રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાના મામલે ઉમરા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલા ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું છે કે, પૂનમ ભદોરિયા નામની મહિલાની સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને તુષારભાઈએ આ અંતિમ પગલું ભર્યું હતું.
નોકરી કરતી હોવા છતાં ભાગીદારીના નામે ઉઘરાણી
તપાસમાં બહાર આવ્યું છે કે તુષાર ઘેલાણી એક સ્કૂલના માલિક હતા. આ સ્કૂલમાં ભાગીદારીમાં આર્થિક તંગી ચાલતી હતી. પૂનમ ભદોરિયા ત્યાં નોકરી કરતી હોવા છતાં, તે પોતાને ભાગીદાર ગણાવીને તુષારભાઈ પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતી હતી. આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ બાદ જાણવા મળ્યું કે તે સતત તેમને આર્થિક રીતે દબાણમાં રાખતી હતી.
દીકરીના લગ્ન પ્રસંગે બદનામ કરવાની ધમકી
કેસમાં સૌથી ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હતા, ત્યારે પૂનમે તેમને સામાજિક રીતે બદનામ કરવાની ધમકી આપી હતી. એક તરફ આર્થિક સંકડામણ અને બીજી તરફ પરિવારની આબરૂ જવાનો ડર – આ બંને કારણોસર તુષાર ઘેલાણી ભારે માનસિક તણાવમાં હતા.
પોલીસ કાર્યવાહી
ઉમરા પોલીસે લાંબી પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કર્યા બાદ પૂનમ ભદોરિયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ACP દેસાઈના જણાવ્યા મુજબ, પોલીસ પાસે પૂરતા પુરાવા છે કે મહિલાની જીદ અને ધમકીઓએ જ બિલ્ડરને આપઘાત કરવા માટે મજબૂર કર્યા હતા.સુરત પોલીસ આ મામલે ટૂંક સમયમાં વધુ વિગતો સાથે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. જાણીતા બિલ્ડરના આ પગલાથી સુરતના વ્યવસાયિક આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
આ પણ વાંચો: Surat: ગોડાદરામાં ટેક્સટાઇલ વેપારીનું સ્કોર્પિયોમાં અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 5 શખ્સોને દબોચ્યા