પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આરોપીને SOGની ટીમે કાલોલ પાસેથી દબોચી લીધો છે.

પંચમહાલ SOGએ ફરાર આરોપી ઝડપ્યો

SOG ના પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમ નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને એક ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, વેજલપુરના ગુનામાં સંડોવાયેલો આરોપી વિનોદ દલપતભાઈ પરમાર કાલોલ પંથકમાં છુપાયેલો છે.

વોચ ગોઠવીને આરોપીને દબોચ્યો

બાતમી મળતા જ SOGની ટીમે ત્વરિત એક્શન લીધા હતા. કાલોલ તાલુકાના કાશીયાઘોડા ત્રણ રસ્તા પાસે પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. જેવો આરોપી ત્યાંથી પસાર થયો કે તરત જ પોલીસે તેને ઘેરી લીધો હતો અને તેની અટકાયત કરી હતી. પકડાયેલ આરોપી વિનોદ પરમાર લાંબા સમયથી પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો.

આ પણ વાંચો: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી