પંચમહાલ જિલ્લાના શહેરામાં અણીયાદ ચોકડી પાસે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર, અલ્ટો કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.
અણીયાદ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત
મળતી માહિતી મુજબ, શહેરા હાઈવે પર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે ટ્રાફિકની સ્થિતિ પ્રભાવિત હતી. આ દરમિયાન એક પૂરઝડપે આવી રહેલા ડમ્પરે અલ્ટો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર આગળ જઈ રહેલી બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
જેસીબીની મદદથી કાર બહાર કઢાઈ
અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટો કાર બસની નીચેના ભાગમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે તાત્કાલિક બે જેસીબી (JCB) મશીનોની મદદ લેવી પડી હતી. જેસીબી દ્વારા બસને ઊંચી કરી અત્યંત મહેનત બાદ કારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.
મુસાફરોનો આબાદ બચાવ
આ અકસ્માતની તીવ્રતા જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ચમત્કારિક રીતે કારના ડ્રાઈવર અને અન્ય મુસાફરો તેમજ બસમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે, કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હોવાથી ગાડી માલિક ભારે ચિંતિત જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ધનસુરા હાઈવે પર રાહદારીને હવામાં ફગોળ્યો, કમકમાટીભર્યા અકસ્માતના CCTV સામે આવ્યા