પાટણ જિલ્લાના હારીજ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. હારીજ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા.

કાર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કર

મળતી માહિતી મુજબ, એક ટ્રેક્ટર એજન્સીમાં ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવતા અભિષેક વર્મા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે હારીજ પાસે ટ્રક સાથે તેમનો અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે અભિષેક વર્મા કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

અકસ્માત બાદ કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ક્રેન, ટ્રેક્ટર અને અંદાજે 15થી વધુ લોકોની લાંબી જહેમત બાદ અંતે અભિષેક વર્માના મૃતદેહને કારમાંથી બહાર કાઢી શકાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ હારીજ પોલીસનો કાફલો મોડી રાત્રે સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ઘીમાં ભેળસેળ કરનાર પટેલ ડેરીના માલિકને એક વર્ષની જેલની સજા, કોર્ટે ફટકાર્યો દંડ