પાટણની જિલ્લા અદાલત આજે એક હિંસક ઘટનાની સાક્ષી બની છે. કોર્ટ સંકુલમાં જ્યાં લોકો ન્યાયની આશાએ આવે છે, ત્યાં જ વકીલોની સુરક્ષા જોખમાઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વકીલોના રૂમમાં બેઠેલા વકીલો પર એક અજાણ્યા શખ્સે ધારિયા જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.


ફેટામાં ધારિયું છુપાવીને આવ્યો હતો હુમલાખોર

ચોંકાવનારી વિગત એવી છે કે હુમલાખોર શખ્સ માથા પર ફેટો બાંધીને આવ્યો હતો અને તેણે તેમાં જ ધારિયું છુપાવ્યું હતું. વકીલ રૂમમાં ઘૂસીને આ શખ્સે અચાનક ફેટામાંથી ધારિયું કાઢ્યું હતું અને વકીલો તરફ છૂટું ફેંક્યું હતું. સદનસીબે આ હુમલામાં કોઈ વકીલને શારીરિક ઈજા થઈ નથી, પરંતુ ધોળા દિવસે કોર્ટની અંદર હથિયાર લઈને શખ્સ ઘૂસી ગયો તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વકીલોની હડતાલ અને સુરક્ષા સામે સવાલ

આ ઘટના બાદ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વકીલોએ કોર્ટમાં તૈનાત પોલીસ સિક્યુરિટી અને ચેકિંગની પદ્ધતિ સામે આંગળી ચીંધી છે. રોષે ભરાયેલા તમામ વકીલોએ તાત્કાલિક અસરથી કોર્ટનું કામકાજ બંધ કરી દીધું છે અને હડતાલ પર ઉતરી ગયા છે. વકીલોની મુખ્ય માંગ છે કે આ ઘટનાના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી હુમલાખોરની ઓળખ થઈ શકે.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે હુમલાખોર શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલમાં કોર્ટ સંકુલમાં લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bhavnagar: શેત્રુંજી નદીમાં ડ્રોનની મદદથી ખનીજ ચોરીનો પર્દાફાશ, તળાજાના દાત્રાડ પાસે 20 લાખની મશીનરી જપ્ત

  • Follow us on: