ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો પાટણ શહેરમાંથી સામે આવ્યા છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા જાહેર વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દારૂનો વેપલો ચાલતો હોવાના પુરાવા મળતા સ્થાનિક તંત્ર અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

જાહેર બગીચા પાસે દારૂની પોટલીઓનો ઢગલો

પાટણના ગરનાળા પાસે ભારત વિકાસ પરિષદ સંચાલિત એક બગીચો આવેલો છે. આ શૈક્ષણિક અને જાહેર વિસ્તારની આસપાસ હજારોની સંખ્યામાં દેશી દારૂની ખાલી પોટલીઓ (થિયેલીઓ) જોવા મળી છે. જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, અહીં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા દરરોજ દારૂની ખાલી પોટલીઓ નાખવામાં આવે છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે, આસપાસના વિસ્તારોમાં મોટા પાયે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

પોલીસની નિષ્ક્રિયતા સામે જનતામાં રોષ

સ્થાનિકો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જસની તસ છે. બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ જાહેર સ્થળો પર દારૂની થેલીઓ ફેંકવામાં આવતી હોવા છતાં બી ડિવિઝન પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની બુટલેગરો સાથેની મિલીભગત હોવાની શંકા જાગી રહી છે.

હારીજ બાદ હવે પાટણમાં પણ પોલ ખુલી

નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ હારીજમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ અને ધમધમતા દારૂના ધંધાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે પાટણ શહેરમાંથી જ આવા પુરાવા સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા છે. શું પોલીસ આ ખાલી પોટલીઓ ફેંકનારા અને દારૂ વેચનારા તત્વો સામે લાલ આંખ કરશે કે પછી બુટલેગરોનો આતંક આમ જ ચાલુ રહેશે?


આ પણ વાંચો - Patan: સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે ગ્રામ પંચાયતના બોર પરનો કેબલ વાયરની ચોરી