પાટણ જિલ્લાના સમી તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજ સુધારણાની દિશામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સમી ખાતે સમાજના અગ્રણીઓ અને સભ્યોની એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ખર્ચાઓ પર નિયંત્રણ મૂકવા માટેનું એક નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. સમાજે લગ્ન પ્રસંગોમાં થતા અતિશય અને ખોટા ખર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે.
ઠાકોર સમાજની બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય
આ પ્રતિબંધમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ડીજે અને આતશબાજી માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. હલ્દી રસમ જેવી બિનજરૂરી વિધિઓ પર પ્રતિબંધ. લગ્ન પહેલા થતા પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વિડિયો શૂટિંગના ખર્ચ પર પ્રતિબંધ. સગાઈના સમયે યુવતીને મોબાઈલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગો દરમિયાન થતા ખોટા વ્યસનો (દારૂ, તમાકુ વગેરે) ન કરવા માટે સમાજ દ્વારા પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજમાં આર્થિક બોજ ઓછો થશે અને સામાજિક સમાનતા જળવાશે. અન્ય સમાજો માટે પણ આ નિર્ણય એક આદર્શ ઉદાહરણરૂપ બની શકે છે.













