પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી 'માજીસા મોબાઈલ' નામની દુકાનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં પાટણ એલ.સી.બી. (LCB) ટીમને મોટી સફળતા મળી છે. ગત 28 માર્ચના રોજ રાત્રિના સમયે દુકાનનું શટર તોડી ૫૫ જેટલા મોબાઈલની ચોરી કરનાર આંતર જિલ્લા ટોળકીના 4 સાગરીતોને પોલીસે ગણતરીના દિવસોમાં જ મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.


માજીસા મોબાઇલ દુકાનમાં થઇ હતી ચોરી

ચોરીની આ ઘટના બાદ પાટણ એલ.સી.બી.ની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસીસના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરેલા 30 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલ પલ્સર બાઈક સહિત કુલ રૂ. 3,44,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દુકાનનું શટર તોડી 55 મોબાઇલ ચોરી થયા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી આંતર જિલ્લા સ્તરે ચોરીના ગુના આચરતી હતી. રાધનપુર પોલીસે આરોપીઓનો કબજો મેળવી અન્ય ૨૫ મોબાઈલ ક્યાં વેચ્યા છે અથવા ક્યાં છુપાવ્યા છે તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ વેપારી મંડળ અને સ્થાનિકોએ પાટણ પોલીસની તત્પરતાને બિરદાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: