પાટણ જિલ્લાના રાધનપુરમાં સરકારી જમીન પચાવી પાડવાના ગંભીર મામલે રાજ્ય સરકારના કડક કાયદા 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કાર્યવાહીથી જમીન પચાવી પાડનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની વિગતો મુજબ, રાધનપુરના નાયતવાડા વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદે રીતે દબાણ કરીને તેનો ભોગવટો કરવામાં આવી રહ્યો હતો.
ગેરકાયદે દબાણ હટાવાશે
આ દબાણકર્તાઓને અગાઉ સરકારી તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, તેમ છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. આથી તંત્રએ કાયદાનો આશરો લીધો છે. જમીનનો ભોગવટો ખાલી ન કરવા બદલ, પોલીસે કુલ 10 લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.













