પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં સત્તાધારી ભાજપના સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે થયેલી અભૂતપૂર્વ ખેંચતાણને પગલે શાસક પક્ષનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. બેઠક દરમિયાન જ્યારે વિકાસના કામો અને વહીવટ અંગે ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે જ પાલિકા પ્રમુખ, કોર્પોરેટરો અને ચીફ ઓફિસર આમને-સામને આવી ગયા હતા. ચીફ ઓફિસરે ભાજપના કોર્પોરેટરો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જાહેરમાં કહ્યું હતું કે, "તમે લોકો દૂધે ધોયેલા નથી અને તમે શહેરમાં શું શું કર્યું છે તે આખું પાટણ જાણે છે." અધિકારીના આ આકરા પ્રહારોથી બેઠકમાં સોપો પડી ગયો હતો.
સામાન્ય સભા સ્થગિત
આ વિવાદ એટલો વકર્યો હતો કે સત્તાધારી પક્ષના નેતાઓ અને અધિકારી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું, જેના કારણે સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધી શકી નહોતી અને અંતે સભા સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભાજપના જ સભ્યો સામે ચીફ ઓફિસરે ભ્રષ્ટાચારના જે પ્રકારે આક્ષેપ કર્યા છે તેનાથી પાટણના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. વિપક્ષ પણ હવે આ મામલે મેદાનમાં ઉતરી શકે તેવી શક્યતાઓ છે, જ્યારે ભાજપના સંગઠનમાં પણ આ આંતરિક ક્લેશને લઈને દોડધામ મચી ગઈ છે.
