હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં લેવાયેલી MBBSની પરીક્ષામાં ગુણ સુધારવા માટે આચરવામાં આવેલા કૌભાંડમાં પોલીસે અંતે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જેની સતત રજૂઆતો કરવામાં આવી હતી તે કૌભાંડમાં હવે મોટા ખુલાસા થવાની આશંકા છે.


પાટણ HNGUમાં MBBS ગુણ કૌભાંડનો મામલો

આ સમગ્ર કૌભાંડ વર્ષ 2019માં પ્રકાશમાં આવ્યું હતું. આરોપ હતો કે નાપાસ થયેલા અથવા ઓછા ગુણ ધરાવતા MBBSના વિદ્યાર્થીઓના ગુણ ગેરકાયદેસર રીતે સુધારવામાં આવ્યા હતા. આ મામલે સતત હોબાળો થતા કુલ ચાર ઉચ્ચસ્તરીય કમિટીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી:

1. HNGU કારોબારી કમિટી

2. ગૃહવિભાગના અગ્ર સચિવ પંકજકુમારની કમિટી

3. કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના પૂર્વ સચિવ ખેરની કમિટી

4. CID ક્રાઇમ

વર્ષો બાદ નોંધાઈ ફરિયાદ

તપાસના રિપોર્ટ આવ્યાના લાંબા સમય બાદ, ગત 17 માર્ચ 2025ના રોજ HNGUના કુલ સચિવ રોહિત દેસાઈએ પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ૬ નામજોગ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈ અને ધરપકડ

આરોપી ડૉ. કનુ ચૌધરીએ ધરપકડથી બચવા માટે પહેલા સેશન્સ કોર્ટ, ત્યારબાદ હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, ક્યાંયથી રાહત ન મળતા આખરે કોર્ટના આદેશ મુજબ ડૉ. કનુ ચૌધરી બી-ડિવિઝન પોલીસ મથકે હાજર થયા હતા. પોલીસે તેમને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં નામદાર કોર્ટે આરોપીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રિમાન્ડમાં થઈ શકે છે મોટા ઘટસ્ફોટ

ડૉ. કનુ ચૌધરીના રિમાન્ડ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ કૌભાંડમાં યુનિવર્સિટીના અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ સામેલ છે? આ માટે કેટલા રૂપિયાની લેતી-દેતી થઈ હતી અને કેટલા વિદ્યાર્થીઓને ગેરરીતિથી પાસ કરવામાં આવ્યા હતા? આગામી દિવસોમાં પાટણ યુનિવર્સિટીના વધુ કેટલાક ચહેરાઓ બેનકાબ થઈ શકે છે.

આ પણ વાંચો: Bhuj: ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણીની તૈયારી,4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લઈ પ્રદેશ મોકલાશે રિપોર્ટ

  • Follow us on: