પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર, 2025ના રોજ એક મહિલાના પર્સમાંથી આશરે 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી થઇ હતી, જેની અંદાજિત કિંમત ₹6,83,160/- હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પાટણ શહેર "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બે મહિલાઓ ભીડનો લાભ લઈને ચોરી કરી હતી
પાટણ LCBએ કરેલી સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓ ભીડનો લાભ લઈને પાટણ બસ ડેપોમાં ચોરી કરી અંજાર જતી બસમાં બેસી ગઈ હતી. ચોરી કરેલા બોક્સને તેઓ થેલીમાં છુપાવી પાટણથી બેચરાજી જતી બસમાં નીકળી ગયા હતા અને મોઢેરા ગામ બસ સ્ટેશન પરથી રીક્ષામાં બેઠા અને મહેસાણા પહોંચી ગયા.
3 મહિલા ઝડપાઇ
તપાસમાં પકડાયેલા લક્ષ્મીબેન કલ્યાણભાઇ દેવીપુજક, ભારતીબેન રાજેન્દ્રભાઇ દંતાણી અને કલ્યાણ કનુભાઇ દેવીપુજક છે. પુછપરછમાં બંને મહિલાઓએ ચોરીની કબૂલાત કરી હતી. તેમની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ ભીડવાળી જગ્યાઓમાં કટરનો ઉપયોગ કરીને થેલા અને ખિસ્સામાંથી કીમતી સામાન ચોરી કરતા હતા.
8,64,831/-નો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે સોનાનો હારનો સેટ, સોનાની બુટ્ટી (બે જોડ) અને મંગળસૂત્ર, ₹62,569/- રોકડ, આંતરરાષ્ટ્રીય ચલણી નોટો, ત્રણ મોબાઈલ ફોન, એક રીક્ષા અને કટર સહિત કુલ 8,64,831/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હવાલે કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો--- Ahmedabad : ઓઢવમાં હોટ મિક્ષ વાહનની ટક્કરથી મજૂર દટાયો, ફાયર બ્રિગેડ પહોંચ્યું