બોગસ ડોક્ટરને લઇને અવાર નવાર સામાચાર સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પાટણના ચાણસ્માના કંબોઇમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. આ તબીબ પાસે કોઇ પણ પ્રકારની માન્ય ડિગ્રી કે લાયસન્સ હતુ જ નહીં. તે તેના વગર છેલ્લાં કેટલાંય સમયથી ગામમાં દવાખાનું ખોલીને લોકોની સારવાર કરતો હતો. પાટણની એસઓજી પોલીસે ગામમાં સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડીને તે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે.

બોગસ તબીબ SOG પોલીસના સકંજામાં

SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કંબોઇ ગામમાં એક વ્યક્તિ ડોક્ટર હોવાનો ડોળ કરીને ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે સ્થળ પર દરોડા પાડ્યા, ત્યારે સંજય પટેલ નામનો શખ્સ દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે જ્યારે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી કે સરકાર માન્ય લાયસન્સ માંગ્યું, ત્યારે તે કોઈ પણ આધારભૂત પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

દવાઓ અને સાધનો જપ્ત કરાયા

પોલીસે સંજય પટેલના ગેરકાયદેસર ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને તબીબી સારવારમાં વપરાતા અન્ય સાધનો જપ્ત કર્યા છે. કોઇ પણ તબીબી જ્ઞાન વગર આ રીતે પ્રેક્ટિસ કરવી એ ગ્રામ્ય વિસ્તારમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવા સમાન છે.

પોલીસે સંજય પટેલની કરી ધરપકડ

હાલ પોલીસે આરોપી સંજય પટેલની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય નકલી ડૉક્ટરોમાં પણ ફફડાટ મચી ગયો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સ કેટલા સમયથી પ્રેક્ટિસ કરતો હતો અને તેણે અગાઉ કોઈ દર્દીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે કે કેમ.

આ પણ વાંચોઃ  માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ