પાટણ જિલ્લાના રાધનપુરના એક વેપારીને વધુ નફાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂપિયા 10.31 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી
આ છેતરપિંડીનો ભોગ રાધનપુર ગંજ બજારના વેપારી વિકાસ સુરેશભાઈ ઠક્કર બન્યા છે. ઘટનાની શરૂઆત ગત 7 નવેમ્બર 2025ના રોજ થઈ હતી, જ્યારે તેમને 'વિવેક શર્મા' નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે શેરબજારમાં ટ્રેડિંગ દ્વારા મોટો નફો કરાવવાની ખાતરી આપી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે માત્ર ₹5,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ, આરોપીઓએ 'WEALTH SECURITY' નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.
કરોડોના નફાની લાલચમાં લાખો ગુમાવ્યા
આરોપીઓએ ઓછી દલાલી અને વધુ વળતરની લાલચ આપી વેપારી પાસેથી ટુકડે-ટુકડે મોટી રકમ પડાવી હતી. 08/11/2025: રૂ. 1,00,000 ટ્રાન્સફર કરાવ્યા.10/11/2025: રૂ. 8,00,000 ટ્રાન્સફર કરાવ્યા.12/11/2025: રૂ. 2,31,000 ટ્રાન્સફર કરાવ્યા. કુલ રકમ રૂ. 10,31,000 અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવાઈ. આ છેતરપિંડીમાં વિવેક શર્માની સાથે રજત અને વાસુભાઈ પટેલ નામના શખ્સો પણ સામેલ હતા.
વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો
વાસુ પટેલે વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને રૂ. 2 લાખ રોકડા પણ મોકલ્યા હતા, પરંતુ અંતે જ્યારે એપ્લિકેશનના આઈડી-પાસવર્ડ બદલાઈ ગયા ત્યારે વેપારીને પોતે છેતરાયા હોવાની ખબર પડી હતી. છેતરપિંડીનો અહેસાસ થતા જ વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. પાટણ સાયબર પોલીસે આ મામલે તપાસ કરીને વિવેક શર્મા, રજત, વાસુભાઈ પટેલ, ઓડેદરા સરમન મેહેન્દ્ર (બેંક ખાતા ધારક) ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો:ઉત્તરાયણ પર જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા 19 વર્ષથી બ્રિજો પર તાર બાંધતા મનોજ ભાવસાર