પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલી સરકારી જમીન પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર આજે 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કરોડોની જમીન દબાણમુક્ત

તંત્રની આ કામગીરીમાં સિટી સર્વે નંબર 1701 હેઠળ આવતા બલોચ વાસ વિસ્તારમાં અંદાજે 5734 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન ખાલી કરાવાઈ હતી. વર્ષોથી આ બિનઅધિકૃત જમીન પર રહેઠાણ અને અન્ય પાકા બાંધકામો કરીને દબાણ કરવામાં આવ્યું હતું. તંત્રના જણાવ્યા મુજબ, અગાઉ નોટિસ આપ્યા બાદ જ આ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોનો આક્રોશ અને વેદના

બીજી તરફ, આ દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, "અમે છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ અને અમને જાણ કર્યા વિના જ અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે." બેઘર બનેલા પરિવારોએ વેદના ઠાલવતા જણાવ્યું કે, "અત્યારે અમે અને અમારા બાળકો ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ. અમારી પાસે હવે રહેવા માટે કોઈ આધાર રહ્યો નથી. સરકાર અમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી અમારી માંગ છે."


આ પણ વાંચો - Patan News: સમીના નાયકા ગામે મીની બોર બનાવતી વખતે વીજ કરંટ લાગતા એક શ્રમિકનું મોત, એકની હાલત ગંભીર