પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. ગામ પાસે આવેલા મેરામપુરા વિસ્તારમાં ખેતરમાં મીની બોર બનાવવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, નાયકા ગામના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા મીની બોર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન સાથે ટ્રેક્ટરની ચરખી અચાનક અથડાઈ હતી. ચરખીમાં વીજ કરંટ ઉતરતા ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં વીરસીંગજી સોલંકી નામના શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પોલીસ અને UGVCL કાફલો સ્થળ પર

દુર્ઘટનામાં અન્ય એક યુવક ગોવિંદ ઠાકોર ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સમી પોલીસ અને UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Patan: નર્મદાની મુખ્ય કચ્છ કેનાલમાં બે મહિના માટે પાણી પુરવઠો બંધ કરાયો