પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. સંદેશ ન્યૂઝ દ્વારા આ ગંભીર બેદરકારી અને શિસ્તભંગના કિસ્સાને પ્રમુખતાથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલની સીધી અસર રૂપે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી હતી અને ખાખીની ગરિમા લજવનારા ત્રણેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં પોલીસકર્મીઓ જ મહેફિલ માણતા પકડાય તે ઘટનાએ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા હતા.
કાયદાના રક્ષકો જ બન્યા દારૂડિયા
સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ખીમજીભાઈ, હેડ કોન્સ્ટેબલ રાહીકુમાર રામાભાઈ અને કોન્સ્ટેબલ કરણસિંહ બાબરજીનો સમાવેશ થાય છે. આ ત્રણેય જવાનો વીડિયોમાં દારૂના નશામાં ચૂર જોવા મળ્યા હતા, જે પુરાવા તરીકે પૂરતા સાબિત થયા હતા. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ પાટણ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડાએ શિસ્તભંગ બદલ કડક પગલાં ભરી અન્ય કર્મચારીઓ માટે પણ લાલબત્તી ધરી છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અને બેજવાબદાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
