જિલ્લાના સાંતલપુર તાલુકાના શેરપુરા ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષ દ્વારા અપાતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ મામલે વારાહી પોલીસ મથકમાં પતિ સહિત સાસરી પક્ષના 6 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.


સાંતલપુરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

શેરપુરા ગામની પરિણીતા, જે બે સંતાનોની માતા છે, તેને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહી હતી. આરોપ છે કે સાસરિયાઓ મહિલા પર છૂટાછેડા લેવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. મહિલા છૂટાછેડા આપવા તૈયાર ન હોવાથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

પતિ અને સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પીધી 

સાસરિયાઓના અસહ્ય ત્રાસ સામે લડત આપવા મહિલાએ અગાઉ પોતાના પતિ સામે ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને સાસરિયાઓએ ત્રાસની પરાકાષ્ઠા વટાવી દીધી હતી. સતત મળતી ધમકીઓ અને માનસિક દબાણને કારણે અંતે હારીને મહિલાએ ઝેરી પદાર્થ પી લીધો હતો. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાનો બચાવ થયો છે.

6 શખ્સો સામે પોલીસ ફરિયાદ

આ ઘટના બાદ પીડિત મહિલાએ હિમ્મત દાખવીને વારાહી પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, સાસુ, દિયર અને ભાભી સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ મામલે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: બહેરામપુરા પોલીસ ચોકી પાસે 19 વર્ષીય યુવાનની કરપીણ હત્યા, જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની આશંકા


  • Follow us on: