સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી માટે 5 જૂનનો દિવસ અત્યંત ઐતિહાસિક અને મંગલમય બનવા જઈ રહ્યો છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે દમણ ખાતે અંદાજે રૂ. 2,970 કરોડના જંગી ખર્ચે આકાર પામેલા 56 જેટલા વિવિધ જનહિત અને વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં દિવાળી જેવો અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
'નમો એરપોર્ટ'નું થશે લોકાર્પણ
વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન સંઘપ્રદેશને બે સૌથી મહત્વાકાંક્ષી અને મોટા પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેમાં 'નમો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'નું ભવ્ય લોકાર્પણ સામેલ છે. દમણમાં શરૂ થનારી આ અત્યાધુનિક નમો હોસ્પિટલ માત્ર સંઘપ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાતના સરહદી જિલ્લા વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. જ્યારે નમો એરપોર્ટના કારણે પ્રદેશના પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને એક નવો વેગ મળશે.
સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે PM મોદી
આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દમણમાં આઇકોનિક બ્રિજ અને ભવ્ય કન્વેન્શન સેન્ટર સહિતના અનેક નવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક વિશાળ જનમેદની અને જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે, જે આ પ્રદેશ પ્રત્યેનો તેમનો વિશેષ લગાવ દર્શાવે છે.
તમામ તૈયારીઓને આખરી ઓપ આપાયો
વડાપ્રધાન મોદીના આગમનને પગલે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, સંઘપ્રદેશ પોલીસની સાથે સાથે પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ટીમો પણ સુરક્ષાને લઈને ખડેપગે તૈનાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો - PM Modi આગામી 5 જૂને ગુજરાત અને દમણના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે