ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અરબ સાગરમાં જખૌ બંદર નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) પાસે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટ 'અલ-મદીના' ને ઝડપી પાડવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના જવાનો જ્યારે રૂટિન પેટ્રોલિંગ પર હતા, ત્યારે ભારતીય જળસીમામાં આ શંકાસ્પદ બોટ પ્રવેશી હોવાનું જણાયું હતું. સુરક્ષા દળોએ બોટને પડકારતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડના જહાજોએ તેને ઘેરીને અટકાવી લીધી હતી. પ્રારંભિક તપાસમાં આ બોટમાં કુલ 9 પાકિસ્તાની ક્રૂ મેમ્બરો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
FIR નોંધી તપાસ તેજ
ઝડપાયેલી બોટ અને તમામ 9 ક્રૂ મેમ્બરોને વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત પૂછપરછ (Joint Interrogation) માટે દરિયાઈ માર્ગે પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે. આ મામલે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બોટ માત્ર માછીમારીના હેતુથી પ્રવેશી હતી કે કોઈ જાસૂસી કે અન્ય કોઈ આશયથી? હાલમાં બોટનું ઝીણવટભર્યું ચેકિંગ (Rummaging) કરવામાં આવી રહ્યું છે અને તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.













