પોરબંદરના સમુદ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી અનેક સ્પર્ધકો ભાગ લેવા પહોંચ્યા છે. જોકે, સ્પર્ધા દરમિયાન અમદાવાદના એક વૃદ્ધાને અચાનક હાર્ટ એટેક આવતા સ્પર્ધાના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લેવા ઉતર્યા હતા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય લીનાબેન વર્ધન આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદર આવ્યા હતા. તેઓ જ્યારે 1 કિલોમીટરની સમુદ્રી તરણ સ્પર્ધામાં ઉતર્યા હતા અને દરિયામાં તરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો હતો.

તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા

ઘટનાની જાણ થતા જ આયોજકો અને બચાવ ટુકડી દ્વારા તેમને તાત્કાલિક દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ લીનાબેનને પોરબંદરની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે.

ખેલદિલી અને જોશ વચ્ચે દુખદ ઘટના

69 વર્ષની વયે પણ સમુદ્રી તરણ જેવી પડકારજનક સ્પર્ધામાં ભાગ લેવો એ લીનાબેનનો રમત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. પરંતુ સ્પર્ધા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે અન્ય સ્પર્ધકો અને ખેલપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, આવી સ્પર્ધાઓમાં ફિટનેસ ખૂબ જ મહત્વની હોય છે, છતાં પણ આવી આકસ્મિક ઘટનાઓ તંત્ર અને આયોજકો માટે ચિંતાનો વિષય બની છે.

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી 7.12 કરોડ પડાવ્યા, સાયબર ક્રાઇમે ચાઈનીઝ કનેક્શન ધરાવતી ગેંગના 12 સાગરીતોને ઝડપ્યા

  • Follow us on: