યાત્રાધામ દ્વારકા અને પોરબંદરને જોડતા નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ભીષણ અકસ્માતમાં કારના કુરચેકુરચા બોલી ગયા હોવા છતાં, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
મળતી પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. હાઇવે પર અચાનક કોઈ કારણસર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે કાર રોડ પર જ ગોથા ખાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો થંભી ગયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
