પોરબંદર જિલ્લાના ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામેથી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શાળાએથી છૂટ્યા બાદ નેસડા તળાવમાં ન્હાવા ગયેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો છે.
શાળાએથી છૂટી ન્હાવા ગયા ને કાળ ભેટ્યો
મળતી માહિતી મુજબ, રાણા રોજીવડા ગામના બે મિત્રો, ૧૧ વર્ષીય નિખિલ હાજાભાઈ ટોરીયા અને ૧૨ વર્ષીય સુમિત જગદીશભાઈ સોલંકી, શાળા છૂટ્યા બાદ ઘરે જવાને બદલે ગામના નેસડા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા બંને બાળકો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોને જાણ થતા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ કમનસીબે બંને બાળકોના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.












