ભારતની દરિયાઈ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ ઘટનામાં, પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ દરમિયાન આ મોટી સફળતા મળી છે. કોસ્ટગાર્ડે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) નજીક પેટ્રોલિંગ કરતી વખતે આ શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. આ બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હોવાનું સામે આવ્યું છે.
11 ક્રૂ મેમ્બર ઝડપાયા
કોસ્ટગાર્ડે બોટની તલાશી લેતા તેમાંથી 11 ક્રૂ મેમ્બરને પણ ઝડપી પાડ્યા છે. આ તમામ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બોટ અને ક્રૂ મેમ્બરને કબજે લીધા બાદ, તમામ સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે. આ લોકો ભારતીય જળસીમામાં શા માટે ઘૂસ્યા હતા, તેમનો ઇરાદો શું હતો અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, તે અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ એક સંવેદનશીલ કેસ છે.
