ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા (IMBL) નજીક એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરીને એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં શંકાસ્પદ હલચલ જણાતા કોસ્ટ ગાર્ડના જવાનોએ આ બોટને આંતરી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બોટમાં કુલ 9 પાકિસ્તાની ક્રૂ મેમ્બરો સવાર હતા. ભારતીય સીમામાં આ બોટ કયા હેતુથી પ્રવેશી હતી તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે, જેને પગલે કોસ્ટ ગાર્ડે બોટ સહિત તમામ સભ્યોને કસ્ટડીમાં લઈ લીધા છે.


દરિયાઈ માર્ગે રચાતું ષડયંત્ર?

આ ઘટનાને પગલે દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે. ઝડપાયેલા 9 પાકિસ્તાની નાગરિકોને નજીકના બંદર પર લાવીને સુરક્ષા એજન્સીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ બોટમાંથી કોઈ વાંધાજનક સામગ્રી કે નશીલા પદાર્થો મળી આવ્યા છે કે કેમ તે અંગે બોટની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સરહદી વિસ્તારમાં વધતી જતી આવી હિલચાલને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો ત્વરિત જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara માં માનવતા શરમાઈ, 6 વર્ષની માસૂમ બાળકી સાથે યુવકની ગંદી હરકત

  • Follow us on: