પોરબંદર શહેરના વિકાસ અને વહીવટી પ્રશ્નોને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મહાનગરપાલિકા કમિશનરની કાર્યપદ્ધતિ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ભાજપના સંગઠને સીધી મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરીને વહીવટી તંત્રમાં સપાટો બોલાવી દીધો છે.

સંકલનનો સતત અભાવ જોવા મળ્યો

ભાજપ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મહાનગરપાલિકાના વહીવટમાં સંકલનનો સતત અભાવ જોવા મળી રહ્યો છે.ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચેના યોગ્ય તાલમેલ વગર શહેરના પાયાના કામો અટકી પડ્યા છે. ભાજપના પદાધિકારીઓનો આરોપ છે કે, શહેરીજનોને જે પાયાની સુવિધાઓ મળવી જોઇએ, તેમાં કમિશનર નિષ્ફળ રહ્યા છે. સુવ્યવસ્થિત વહીવટની જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, તે પૂર્ણ થઇ નથી. તંત્રમાં શિસ્ત અને જવાબદાકીના સ્થાને અરાજકતા જેવી સ્થિતિ સર્જાઇ છે.

સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાંની કરી માગ

પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,કમિશનરની કામગીરીમાં લાપરવારહી અને સંકલનની ઉણપને કારણે જનતામાં સરકારની છબી ખરડાઇ રહી છે. જેથી કરીને પોરબંદર ભાજપે માત્ર ફરિયાદ જ નથી કરી, પરંતુ આ મામલે ત્વરિત સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવાની પણ ઉગ્ર માગ કરી છે. 


  • Follow us on: