પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં દોઢ વર્ષ પૂર્વે બનેલી એક ગુમશુદાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ચૌટા ગામનો નરેન્દ્ર મેથાણીયા નામનો યુવક લાંબા સમયથી ગુમ હતો, જેને શોધવામાં કુતિયાણા પોલીસને આખરે મોટી સફળતા મળી છે. જોકે, આ સફળતા એક કરુણ અંજામ સાથે સામે આવી છે, જેમાં નરેન્દ્ર ગુમ નહીં પણ તેની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.

નરેન્દ્રના મિત્ર માલદે દેવા નંદાણીયા પર શંકા ગઈ

ઘટનાની વિગત મુજબ, નરેન્દ્ર મેથાણીયા દોઢ વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયો હતો. કુતિયાણા પોલીસે આ મામલે તપાસ ચાલુ રાખી હતી. તપાસ દરમિયાન પોલીસને નરેન્દ્રના મિત્ર માલદે દેવા નંદાણીયા પર શંકા ગઈ હતી. પોલીસે શંકાના આધારે માલદેની કડક ઉલટ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં ગલ્લાતલ્લાં કર્યા બાદ, માલદેએ પોલીસ સામે પોપટ બનીને સત્ય ઓકી દીધું હતું અને કબૂલાત કરી હતી કે તેણે જ નરેન્દ્રની હત્યા કરી છે.

મંદિરે દર્શન કરવા જવા બાબતે સામાન્ય બોલાચાલી

હત્યા પાછળનું કારણ પણ અત્યંત સામાન્ય હોવાનું સામે આવ્યું છે. આરોપી માલદેએ જણાવ્યું હતું કે, બંને મિત્રો વચ્ચે મંદિરે દર્શન કરવા જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા માલદેએ ઉશ્કેરાટમાં આવી નરેન્દ્ર પર પથ્થરના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે નરેન્દ્રનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ લાશનો નિકાલ કરી દીધો હતો અને પોતે કશું જ જાણતો ન હોય તેમ ફરતો હતો. કુતિયાણા પોલીસે આરોપી માલદે દેવા નંદાણીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોઢ વર્ષ બાદ સત્ય બહાર આવતા મૃતકના પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો----     Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી