ગુજરાત સરકાર જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા રાજ્યના દરિયાકિનારાને આર્થિક વિકાસનું એન્જિન બનાવી રહી છે. ત્યારે અરબી સમુદ્રના ખોળે વસેલું પોરબંદર આ બ્લુ ઈકોનોમીક્રાંતિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. પોરબંદરમાં પણ મત્સ્ય નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. MPEDA ના રેકોર્ડ મુજબ, પોરબંદર સબ-ડિવિઝન હેઠળ કેટલીક અગ્રણી પેઢીઓ કાર્યરત છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સી-ફૂડ પહોંચાડે છે. આ પેઢીઓ દ્વારા યુરોપ, એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં પોરબંદરની માછલીઓ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.
સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ
પોરબંદરની બ્લુ ઈકોનોમીની ખાસિયત એ છે કે હવે અહીં માત્ર માછલી પકડવામાં જ નથી આવતી, પરંતુ તેનું હાઈ-ટેક પ્રોસેસિંગ પણ થાય છે. જિલ્લામાં અનેક અત્યાધુનિક યુનિટ્સ કાર્યરત છે. જેમાં પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ દરિયાઈ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ફિશ મીલ અને ઓઈલ એકમો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નિકાસલક્ષી ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે.વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે પોરબંદરના નિકાસકારો MPEDA ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક પ્રોડક્ટ્સના વધતા ટ્રેન્ડને કારણે સ્થાનિક ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.










