ગુજરાતના દરિયાકિનારેથી અવારનવાર નશીલા પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને ઓડદરથી રાંબાઈ વચ્ચેના દરિયાકિનારેથી બિનવારસુ હાલતમાં નશીલા પદાર્થ ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે.


લાખોની કિંમતનો જથ્થો જપ્ત

ઘટનાની મળતી માહિતી અનુસાર, પોરબંદર SOGની ટીમને બાતમી મળી હતી કે, દરિયાકિનારે શંકાસ્પદ પેકેટો પડ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ત્યાંથી બિનવારસી હાલતમાં ચરસ મળી આવ્યું હતું. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 5.57 લાખની કિંમત ધરાવતો કુલ 2.23 કિલો ચરસનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરી લીધો છે.

ડ્રગ્સ માફિયાઓનું આંતરરાષ્ટ્રીય કનેક્શન?

દરિયાકિનારેથી આ પ્રકારે ચરસ મળી આવવાને કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અગાઉ પણ ગુજરાતના જુદા જુદા દરિયાકિનારે પાકિસ્તાન કે અન્ય દેશોમાંથી વહીને આવેલા ડ્રગ્સના પેકેટો મળી ચૂક્યા છે, ત્યારે આ જથ્થો પણ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા અહીં ફેંકવામાં આવ્યો હતો કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

પોરબંદર SOG દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેને કોણ લેવાનું હતું, તે અંગે આસપાસના વિસ્તારના સ્થાનિક માછીમારો અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ તેજ કરવામાં આવી છે. તેમજ દરિયાકિનારાના અન્ય વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.


આ પણ વાંચો - Porbandar બંદરે ઈરાનથી 4000 મેટ્રિક ટન LPG ભરેલું જહાજ પહોંચ્યું, સપ્લાય લાઇન શરૂ


  • Follow us on: