પોરબંદરના બગવદરમાં થયેલ મહિલાની હત્યાના ચકચારી કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પૈસાની માંગણી અને બળાત્કારની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ મહિલાની ગળેટૂંપો આપી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
નદીમાંથી મળી આવી હતી લાશ
ગત ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ફટાણા ગામ પાસે આવેલી વર્તુ નદીના પુલ નીચેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બગવદર પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહિલાની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર હતો, જેના માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પાંચ જિલ્લાઓના ગુમ થયેલ મહિલાઓના ડેટા તપાસ્યા હતા.
તપાસમાં ખંભાળીયા કનેક્શન ખુલ્યું
પોલીસની ઝીણવટભરી તપાસમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ગુમ જાણવા જોગ ફરિયાદ સાથે મૃતકનું વર્ણન મળી આવ્યું હતું. જેના આધારે મૃતક મહિલા ખંભાળીયાની રહેવાસી હોવાનું સ્પષ્ટ થયું હતું. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી: ૧. રામદે કાનાભાઈ ઉર્ફે સુકાભાઈ અમર (ઉંમર ૨૧, રહે. સોઢાણા) ૨. જેઠા ઉર્ફે કારીયો સામતભાઈ ઓડેદરા (ઉંમર ૨૮, રહે. મજીવાણા)
હત્યા પાછળનું કારણ પૈસા અને ધમકી
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ મહિલાને શારીરિક સંબંધ બાંધવાના હેતુથી વાડીએ બોલાવી હતી. ૨૧ સપ્ટેમ્બરના રોજ મહિલાએ તેમની પાસે ૪૫,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ પૈસા આપવાની ના પાડતા મહિલાએ બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આનાથી ડરી ગયેલા બંને આરોપીઓએ દોરડા વડે મહિલાને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા લાશને નદીમાં ફેંકી દીધી હતી.
આ પણ વાંચો: સાથીને બચાવવા જતાં બે ખેતમજૂરો કુવામાં ડૂબ્યા, બંનેના મોત