સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં આવેલા ભાંખરિયા પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. અહીં ગેસના ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક ફેરિયા પાસે રહેલા ગેસ સિલિન્ડરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.


ફુગ્ગામાં ગેસ ભરવાના બાટલામાં થયો બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, ફેરિયો જ્યારે ફુગ્ગામાં ગેસ ભરી રહ્યો હતો ત્યારે જ અચાનક બોટલમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ બ્લાસ્ટમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગતા જ સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

તંત્રની કામગીરી

ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતર્કતા વાપરીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી. વધુ તપાસ દરમિયાન, તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી કુલ 3 બોટલ કબજે કરવામાં આવી છે, જેમાં 2 ભરેલી બોટલ અને 1 બ્લાસ્ટ થયેલી બોટલનો સમાવેશ થાય છે. આ ઘટનાએ જાહેર સ્થળો પર ગેસના જોખમી સિલિન્ડરો લઈને ફરતા ફેરિયાઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. હાલમાં પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે કે આ ગેસ બોટલના ઉપયોગ માટે જરૂરી મંજૂરી હતી કે કેમ.

આ પણ વાંચોઃ Gujarat News: કરુણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવવા ખાસ અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર


  • Follow us on: