ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર જ્યાં એક તરફ હર્ષોલ્લાસ લાવે છે, ત્યાં બીજી તરફ આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 20 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.


ઇમરજન્સી કેસોમાં ભારે ઉછાળાની શક્યતા

આંકડાકીય વિશ્લેષણ મુજબ, ઉતરાયણના મુખ્ય દિવસોમાં પક્ષીઓના ઘાયલ થવાના કિસ્સાઓમાં આઘાતજનક વધારો જોવા મળે છે. ખાસ કરીને 14મી જાન્યુઆરીએ સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં 2500% અને 15 જાન્યુઆરીએ 1605% જેટલો તોતિંગ વધારો થવાની સંભાવના છે. આથી આ બે દિવસો દરમિયાન વન વિભાગ અને પશુપાલન વિભાગ હાઈ-એલર્ટ પર રહેશે.

સજ્જ વહીવટી તંત્ર અને એમ્બ્યુલન્સ નેટવર્ક

પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ૮૬ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના 31 જિલ્લાઓમાં 37 સ્પેશિયલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં, જ્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં વિશેષ ટીમો અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકો માટે હેલ્પલાઇન નંબર 1962 કરાયો જાહેર

 જો આપને ક્યાંય પણ દોરીથી ઘાયલ થયેલું પક્ષી અથવા પશુ જોવા મળે, તો તાત્કાલિક સહાય માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરી શકાય છે. આ નંબર પર કોલ કરવાથી નજીકની એમ્બ્યુલન્સ અથવા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે.

આ કરુણા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય

"જીવો અને જીવવા દો" ના મંત્રને સાર્થક કરી, પક્ષીઓના અકાળે થતા મૃત્યુને અટકાવવાનો છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ સવારના અને સાંજના પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે, જેથી નિર્દોષ જીવોની રક્ષા થઈ શકે.

આ પણ વાંચોઃ ભારત-જર્મની મિત્રતાના નવા અધ્યાયનો પ્રારંભ, ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો ગુજરાત પ્રવાસ સંપન્ન


  • Follow us on: