ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો ભારત અને ખાસ કરીને ગુજરાતનો મહત્વપૂર્ણ પ્રવાસ આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ પ્રવાસ બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જનારો સાબિત થયો છે.


વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન

પોતાના પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ભારતની વધતી આર્થિક શક્તિ અને જર્મનીની ટેકનોલોજીના સમન્વય માટે યોજાયેલી 'ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમ' આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ ફોરમમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેનો સીધો લાભ આગામી સમયમાં ગુજરાતના ઉદ્યોગો અને રોજગારીને મળી શકે છે.

અમદાવાદ ખાતેથી ભાવભરી વિદાય

પોતાના વ્યસ્ત કાર્યક્રમો પૂર્ણ કરી ચાન્સેલર આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા રવાના થયા હતા. આ વિદાય પ્રસંગને અત્યંત ગરિમાપૂર્ણ અને ભાવસભર બનાવવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ

આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર ઉપસ્થિત રહીને ચાન્સેલરનું અભિવાદન કર્યું હતું અને તેમને ભાવભરી વિદાય આપી હતી.

ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે રાજ્યના વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ જેમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ,જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર અને MEA ના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ મુલાકાતથી માત્ર દ્વિપક્ષીય સંબંધો મજબૂત નથી થયા, પરંતુ વૈશ્વિક સ્તરે ગુજરાતની એક સક્ષમ 'ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન' તરીકેની છબી વધુ સુદ્રઢ બની છે.

 આ પણ વાંચોઃ Vadodara : એસ.ટી. નિગમ એક્શન મોડમાં, કેન્દ્રના આદેશ બાદ ડ્રાઈવરોનું આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ


  • Follow us on: