વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ST દ્વારા મુસાફરોની સલામતીને સર્વોપરી ગણીને એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન પર હવે ડ્રાઈવરોએ બસના સ્ટીયરિંગ પર બેસતા પહેલા 'અગ્નિપરીક્ષા' માંથી પસાર થવું પડશે. કેન્દ્ર સરકારના તાજેતરના પરિપત્ર બાદ, વડોદરા ડેપોમાં ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઈઝર મશીન દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.


શા માટે લેવાયો આ નિર્ણય?

તાજેતરમાં ભાવનગર એસ.ટી. ડેપોમાંથી દારૂ ઝડપાયાની ઘટનાએ નિગમની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. આ ઉપરાંત, ભૂતકાળમાં નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે સર્જાતા અકસ્માતોમાં અનેક નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. મુસાફરોનો જીવ જોખમમાં ન મુકાય અને જાહેર પરિવહન સેવા સુરક્ષિત બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

બસ રવાના થાય તે પૂર્વે દરેક ડ્રાઈવરની તપાસ કરવામાં આવી

વડોદરા ડેપોમાં બસ રવાના થાય તે પૂર્વે દરેક ડ્રાઈવરની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ પણ ડ્રાઈવર નશાની હાલતમાં અથવા કેફી પીણાનું સેવન કરેલી હાલતમાં પકડાશે, તો તેની સામે તાત્કાલિક અસરથી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિગમ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે ફરજમાં બેદરકારી અને નશાખોરી ચલાવી લેવામાં આવશે નહીં.

આ કામગીરીને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી

તંત્રની આ કામગીરીને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. લાંબા અંતરની મુસાફરી કરતા લોકો હવે વધુ સુરક્ષિત અનુભવશે. આ નવી સિસ્ટમથી માત્ર ડ્રાઈવરોમાં શિસ્ત આવશે એટલું જ નહીં, પરંતુ માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ મોટો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Surendranagarમાં રિક્ષા અને પીકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, દંપતિનું કરુણ મોત


  • Follow us on: