સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ પ્લાઝા પર છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીને પગલે ટોલ ટેક્સ ઉઘરાવતી એજન્સીઓ અને તેના સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આર્થિક વ્યવહારોમાં મોટાપાયે ગોટાળા અને ટેક્સ ચોરીની આશંકાને પગલે IT વિભાગે આ ઓપરેશન હાથ ધર્યું છે.
શા માટે થઈ રહી છે તપાસ?
આવકવેરા વિભાગને લાંબા સમયથી બાતમી મળી હતી કે કતપુર ટોલ પ્લાઝાનું સંચાલન કરતી એજન્સીઓ દ્વારા દર્શાવવામાં આવતી આવક અને વાસ્તવિક કલેક્શનમાં મોટો તફાવત છે. આ એજન્સીઓ દ્વારા આર્થિક વ્યવહારોમાં ગરબડ કરવામાં આવતી હોવાની અને ચોપડે ઓછી આવક બતાવીને સરકારને કરોડોનો ચૂનો લગાવવામાં આવતો હોવાની આશંકા સેવાઈ રહી છે.
અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરાયા
માત્ર ટોલ પ્લાઝાની મુખ્ય ઓફિસ જ નહીં, પરંતુ તેની સાથે સંલગ્ન અન્ય સ્થળો અને સંચાલકોના અંગત રહેઠાણો પર પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. આઈટી અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા ડિજિટલ ડેટા, બેંક ખાતાઓ અને રોકડ વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મોટા ખુલાસાની શક્યતા
આગામી દિવસોમાં આ તપાસના અંતે મોટા નાણાકીય ગોટાળા બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. જો એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ સાબિત થશે, તો સંચાલકો પર ભારે દંડ અને કાયદેસરની કાર્યવાહીની તલવાર લટકી રહી છે. હાલમાં ટોલ પ્લાઝા પર ચુસ્ત સુરક્ષા વચ્ચે તપાસ ચાલુ છે અને અધિકારીઓ મૌન સેવી રહ્યા છે, પરંતુ આ કાર્યવાહી રાજ્યના અન્ય ટોલ પ્લાઝાના સંચાલકો માટે પણ લાલબત્તી સમાન સાબિત થઈ શકે છે.










