પ્રાંતિજ તાલુકાની નવાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. મંડળીના પૂર્વ ચેરમેન અને પૂર્વ સેક્રેટરીએ સત્તાનો દુરુપયોગ કરી સભાસદોના હકના 28,72,000 અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હોવાની વિગતો બહાર આવતા પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાંતિજમાં સહકારી કૌભાંડ
મળતી માહિતી મુજબ, મંડળીના પૂર્વ હોદ્દેદારોએ સભાસદોના પૈસા અને મંડળીના વહીવટમાં મોટી ગેરરીતિ આચરી હતી. ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા એડવાન્સ નાણાંમાં ગોલમાલ કરવામાં આવી.મંડળીના ચોપડે બોલતી રોકડ સિલકની રકમ બેંકમાં જમા કરાવવાને બદલે પૂર્વ હોદ્દેદારો પોતે જ ઓળવી ગયા હતા.નવાપુરા મંડળીના હાલના ચેરમેન દ્વારા મંડળીના ઓડિટ અને તપાસ બાદ પૂર્વ હોદ્દેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રણજીતસિંહ રતનસિંહ મકવાણા (પૂર્વ સેક્રેટરી). ગાડાજી મોતીજી મકવાણા (પૂર્વ ચેરમેન) આ બંને શખ્સો સામે મંડળીના નાણાંની ઉચાપત અને વિશ્વાસઘાત કરવા બદલ પ્રાંતિજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.










