સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સવાલ ગામે લોકોના જીવન સાથે ગંભીર ચેડાં કરતા નકલી દૂધના કારોબારનો પોલીસે ગતરોજ પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે હવે મુખ્ય સૂત્રધાર અને ડેરીના સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમાને ઝડપી પાડ્યો છે. અગાઉ આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય સંચાલક ફરાર હતો, જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ઝેરી રસાયણોથી બનતું હતું 'સફેદ ઝેર'
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત આઘાતજનક છે. આરોપી રાકેશ પટેલ પોતાની ડેરીમાં શુદ્ધ દૂધને બદલે ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર અને અન્ય કેમિકલ્સનો ઉપયોગ કરી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ દૂધ માત્ર જોવામાં જ સફેદ હતું, પરંતુ વાસ્તવમાં તે માનવ શરીર માટે અત્યંત ઘાતક અને ઝેરી હતું. આ ડેરીમાં માત્ર દૂધ જ નહીં, પરંતુ છાસ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ નકલી રીતે બનાવી બજારમાં વેચવામાં આવતી હતી.
