રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ પક્ષમાં રાજીનામાંનો દોર શરૂ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
નવા પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની નિમણૂક
માહિતી અનુસાર, કોંગ્રેસ દ્વારા સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની નિમણૂક કરવામાં આવી હતી.
અનેક સ્થાનિક નેતાઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું
આ નિમણૂકથી નારાજ બનેલા અનેક સ્થાનિક નેતાઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. નારાજ નેતાઓનો આક્ષેપ છે કે નવા નિમાયેલા પ્રમુખ ભાજપના “સ્લીપર સેલ” તરીકે કાર્ય કરી રહ્યા છે.
100થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પક્ષમાંથી છેડો ફાડ્યો
તેમણે મોવડી મંડળ સમક્ષ રજૂઆતો કરવા છતાં નિયુક્તિ યથાવત રાખવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે. આંતરિક અસંતોષને કારણે રાધનપુર વિધાનસભા વિસ્તારના 100થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પક્ષમાંથી છેડો ફાડ્યો હોવાનું પણ જાણવા મળે છે. સ્થાનિક સ્તરે સંગઠન પર તેનો સીધો પ્રભાવ પડશે તેવી રાજકીય વિશ્લેષકોની માન્યતા છે.
આ હોદ્દેદારોએ રાજીનામુ આપ્યું
રાજીનામું આપનાર અગ્રણીઓમાં સામેલ હોદ્દેદારોમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તથા રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસ પક્ષના પ્રમુખે રાજીનામા આપી દીધા છે
કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા
પક્ષના આંતરિક વિવાદને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. હાલ જિલ્લા અને પ્રાદેશિક નેતૃત્વ દ્વારા સ્થિતિ સંભાળવા પ્રયત્નો હાથ ધરાયા હોવાનું સૂત્રો જણાવે છે.
આ પણ વાંચો----- Gandhinagar : રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણ નોંધાયા, સિંહ બાળની સંખ્યા વધીને 231 નોંધાઈ