ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓએ આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટ સહિત દેશભરના અંદાજે 40 હજારથી વધુ કર્મચારીઓ આ એક દિવસીય હડતાળમાં જોડાતા વીમા સેવાઓને વ્યાપક અસર પહોંચી છે.
રાજકોટમાં LICના કર્મીઓની હડતાળ
હડતાળમાં જોડાયેલા યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી ક્લાસ-3 અને ક્લાસ-4 ના કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. કામનું ભારણ વધવા છતાં નવી નિમણૂકો ન થતા અને અન્ય પડતર આર્થિક તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે.
LIC ના વહીવટી માળખા પર તેની સીધી અસર
રાજકોટ સ્થિત LIC ની વિવિધ કચેરીઓ બહાર આજે સવારથી જ કર્મચારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. 'અમારી માંગણીઓ પૂરી કરો' ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સંપૂર્ણપણે કામથી અળગા રહેતા પ્રીમિયમ ભરવા કે અન્ય કામકાજ માટે આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ માત્ર સ્થાનિક નહીં પણ દેશવ્યાપી આંદોલન હોવાથી LIC ના વહીવટી માળખા પર તેની સીધી અસર જોવા મળી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: Kutch: ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 લાખના કિંમતી કેબલની ચોરી, પોલીસમાં ફરિયાદ