રાજકોટ શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે એક ઓટોમોબાઇલ કંપનીના ફાયનાન્સ મેનેજર સાથે લાખોની કિંમતના સોનાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ રાજકોટ ક્રાઇમબ્રાન્ચમાં નોંધાઈ છે. જમીનમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચમાં મેનેજરે પોતાની વર્ષોની બચત સમાન સોનું ગુમાવ્યું છે.

રાજકોટમાં વધુ એક સોનાની છેતરપિંડી 

રાજકોટમાં ઓટોમોબાઇલ કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ ભીમાણીએ આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અમદાવાદના મધુર અશોક અગ્રાવતે મુકેશભાઈને જમીનમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને મુકેશભાઈએ વર્ષ 2021થી અત્યાર સુધીમાં કટકે-કટકે કુલ 400 ગ્રામથી વધુ સોનું મધુર અગ્રાવતને આપી દીધું હતું.

ફાયનાન્સ મેનેજર સાથે સોનાની ઠગાઈ

આ છેતરપિંડીના મામલામાં પોલીસે મુખ્ય આરોપી તરીકે અમદાવાદના મધુર અશોક અગ્રાવત અને તેને સાથ આપનાર કલોલના બળદેવ નાનુભાઇ દેસાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ શખ્સોએ વિશ્વાસમાં લઈને સોનું તો પડાવી લીધું, પરંતુ વળતર કે રોકાણના કોઈ પુરાવા ન આપતા અંતે છેતરાયાનો અહેસાસ થતા મુકેશભાઈએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.

આ પણ વાંચો: Bardoli: તેન ગામે ગેસ સિલિન્ડર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ, ફ્લેટમાં લાગેલી આગમાં વૃદ્ધનું મોત