રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ધોજાધાર વિસ્તારમાં ઘરકંકાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સામાન્ય તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા પતિએ પોતાની પત્નીની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આ હિંસક ઘટનામાં પત્નીને બચાવવા ગયેલી દીકરી પર પણ પિતાએ હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. આરોપી પતિ અને પત્ની બંને જેતપુરમાં રહેતી તેમની દીકરીના ઘરે આવ્યા હતા.


ધોજાધાર વિસ્તારમાં પતિના હાથે પત્નિની હત્યા

અહીં કોઈ કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. ગુસ્સામાં આવીને પતિએ પોતાની પત્ની પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ પત્નીને મારી રહ્યો હતો, ત્યારે તેમની દીકરી રીતુ તિવારી માતાને બચાવવા માટે વચ્ચે પડી હતી. પરંતુ ઉશ્કેરાયેલા પિતાએ દીકરી પર પણ દયા ન ખાધી અને તેના પર છરીના ઘા માર્યા હતા.

ઇજાગ્રસ્ત રીતુ તિવારીને સારવાર માટે ખસેડાઈ

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી રીતુને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પારિવારિક ઝઘડામાં પત્નીની હત્યા અને દીકરી પર જીવલેણ હુમલાની આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: