જામકંડોરણા તાલુકા મથકે આજે બપોરના સમયે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જામકંડોરણા બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારમાં એક ખાનગી સ્કૂલની બસે રસ્તા પર ઉભેલી કારને જોરદાર ટક્કર મારતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
બસે રસ્તા પર ઉભેલી કારને ટક્કર મારી
મળતી માહિતી મુજબ, જામકંડોરણા બસ સ્ટેન્ડ પાસે એક કાર ઉભી હતી, જેમાં મુસાફરો બેઠેલા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી સ્કૂલની બસે અચાનક આ કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા આશરે બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.










