રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓને ડામવા માટે આજીડેમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી બાઈક ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર અને એક સગીર સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશન સાથે પોલીસે શહેરમાં બનેલી 14 જેટલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.


હેન્ડલ લોક વગરના બાઈક સોફ્ટ ટાર્ગેટ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગનો સગીર આરોપી અત્યંત ચાલાકીથી ચોરીને અંજામ આપતો હતો. તે ખાસ કરીને એવા વિસ્તારોમાં રેકી કરતો જ્યાં વાહનચાલકો ઉતાવળમાં હેન્ડલ લોક માર્યા વગર બાઈક પાર્ક કરીને જતા રહેતા હોય. લોક વગરના બાઈક હોવાથી સગીર આરોપી તેને સરળતાથી ઉઠાવી જતો હતો. ગેંગ દ્વારા આ સગીરનો ઉપયોગ માધ્યમ તરીકે કરવામાં આવતો હતો જેથી કોઈને શંકા ન જાય.

જૂનાગઢ કનેક્શન અને સસ્તામાં વેચાણ

આ ચોરીના માલને ઠેકાણે પાડવાની જવાબદારી જૂનાગઢના બિલખાના રહેવાસી સરફરાઝ પાસે હતી. પોલીસના જણાવ્યા મુજબસગીર જે બાઈકની ચોરી કરતો તે સરફરાઝને સોંપી દેવામાં આવતા.સરફરાઝ આ ચોરીના વાહનોને જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી મારતો હતો. આ બાઈકના વેચાણમાંથી જે રકમ મળતી તે બંને વચ્ચે વહેંચી લેવામાં આવતી હતી.

મુદ્દામાલ કબજે અને કાયદેસરની કાર્યવાહી

આજીડેમ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ચોરીના 14 બાઈક કબજે લેવાની તજવીજ હાથ ધરી છે. ત્રણ મહિનાથી પોલીસને દોડાવતી આ ગેંગ પકડાતા વાહનચાલકોએ રાહત અનુભવી છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોઈ સભ્યો સામેલ છે કે કેમ અને અગાઉ તેમણે કેટલા વાહનો વેચ્યા છે.

આ પણ વાંચો: Surat: વરાછામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાઓના ત્રાસની ચોંકાવનારી વિગતો આવી સામે


  • Follow us on: