સુરતના વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા બનેલી પાટીદાર પરિણીતાની આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કેસમાં પિયર પક્ષના આક્ષેપો અને પોલીસ તપાસમાં જે ખુલાસા થયા છે તે અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારા છે.
વરાછા વિસ્તારમાં પરિણીતાની આત્મહત્યા
આ ઘટનામાં કરુણતા એ છે કે મૃતક પરિણીતાનો પુત્ર અભ્યાસ અર્થે કેનેડામાં હતો. માતાના અવસાનના સમાચાર મળતા જ તે તાત્કાલિક સુરત દોડી આવ્યો હતો અને પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. એક તરફ વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યની તૈયારી અને બીજી તરફ માતાની અણધારી વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુલામીની ઝંઝીર જેવી નોટરી
વરાછા પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સાસરિયાઓ પરિણીતા પર માત્ર માનસિક કે શારીરિક ત્રાસ જ નહોતા ગુજારતા, પરંતુ તેને કાયદાકીય રીતે પણ બંધનમાં રાખવા માંગતા હતા. પોલીસને જાણવા મળ્યું છે કે પરિણીતાને બંધનમાં રાખવા માટે સાસરિયાઓએ નોટરી પણ કરાવી લીધી હતી. ઘરની બહાર નીકળવા કે હરવા-ફરવા પર રોક લગાવવા માટે આ પ્રકારની માનસિક ગુલામીની હદ વટાવતા પરિણીતા કંટાળી ગઈ હતી અને અંતે ઝેર ગટગટાવી લીધું હતું.
પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ
પરિણીતાના પિયર પક્ષના આક્ષેપોને આધારે વરાછા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ કુલ 5 લોકો સામે ગુનો નોંધ્યો છે.પતિ સુનિલ વાઘાણી, સાસુ, સસરા અને નણંદ, મિત્ર કમલેશ ધોરાજીયા (જેની સામે પણ ત્રાસમાં સંડોવણીના આક્ષેપ છે) પોલીસ હાલ આ પાંચેય આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો: Jambusar: નગરપાલિકાની પાણીની લાઈન લીકેજ થતા ખેતરો બન્યા બેટ, ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ