રાજકોટ શહેરમાં ફરી એકવાર હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષકને જાળમાં ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા પડાવનાર ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જમીન બતાવવાના બહાને નિવૃત્ત શિક્ષકનો સંપર્ક કર્યો
પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીઓએ નિવૃત્ત શિક્ષકનો સંપર્ક જમીન બતાવવાના બહાને કર્યો હતો. ત્યારબાદ શિક્ષકને પૂર્વ આયોજન મુજબ એક રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર એક મહિલાએ શિક્ષક સાથે બળજબરી કરી હતી, જ્યારે બીજી મહિલાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.
વીડિયો વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપી
આ પછી આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપી શિક્ષક પાસે મોટી રકમની માંગણી કરી હતી. ડરના માર્યા શિક્ષકે ટુકડે-ટુકડે કરીને કુલ 12 લાખ રૂપિયા આ ટોળકીને આપી દીધા હતા. જોકે, વારંવારની ધમકીઓથી કંટાળીને અંતે શિક્ષકે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ત્રણ આરોપી ઝડપાયા
મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર નિલેશ મૈયાભાઇ ઝુંઝા, પાયલ ભાવીનભાઇ પરસાણા અને તેજલ દિપકભાઇ ટિંડાણીને ઝડપી પાડ્યા છે.
પોલીસે વધુ તપાસ આરંભી
પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ ટોળકીએ અન્ય કોઈ લોકોને પણ આવી રીતે ફસાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે