રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે સરકારી બેંક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને રાષ્ટ્રવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. 'યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન'ના નેજા હેઠળ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં બેંક કર્મચારીઓની મુખ્ય માંગણી સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની છે. કર્મચારીઓનું કહેવું છે કે રિઝર્વ બેંક, LIC, સેબી અને રેલવે જેવી સંસ્થાઓમાં કર્મચારીઓને 5 દિવસના સપ્તાહનો લાભ મળે છે, તો જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ આ નિયમ લાગુ થવો જોઈએ. રાજકોટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.


બેંકિંગ સેવાઓને બ્રેક

આ હડતાળની વ્યાપક અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 85,000થી વધુ બેંક કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની તમામ બેંકોના યુનિયનો આ લડતમાં જોડાતા બેંકિંગ કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે, જેના કારણે કરોડો રૂપિયાના ક્લિયરિંગ અને નાણાકીય વ્યવહારો અટવાયા છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર અને મેનેજમેન્ટ દ્વારા ટૂંક સમયમાં 5 દિવસના વર્કિંગ ડેઝ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Valsad News : પારનેરા ડુંગરની ઝાડીઓમાં લટકતી લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

  • Follow us on: