વલસાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ પારનેરા ડુંગરની તળેટીમાંથી આજે એક યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. સ્થાનિક લોકોએ ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લાશ ઘણી જૂની હોવાથી સંપૂર્ણપણે કોહવાઈ ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે ભારે દુર્ગંધ ફેલાઈ હતી. બનાવની ગંભીરતા જોઈ વલસાડ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
ભયાનક દ્રશ્ય
પોલીસને તપાસ દરમિયાન મૃતક યુવકની લાશ પાસેથી એક મોબાઈલ ફોન અને પર્સ મળી આવ્યું છે, જેના આધારે તેની ઓળખ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે, તેથી પોલીસે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ (FSL) ટીમની મદદ લીધી છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.













