રાજકોટ શહેરમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં રવિવારે દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
બંને મિત્રો દારૂ પીવાની ટેવ ધરાવતા હતા
મળતી વિગતો અનુસાર, ભગીરથ સોસાયટીમાં રહેતા મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે વ્યક્તિઓ પરસ્પર ગાઢ મિત્રો હતા. આ બંને મિત્રો નિયમિત રીતે દેશી દારૂ પીવાની કુટેવ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. દરરોજની જેમ રવિવારે પણ બંનેએ સ્થાનિક સ્તરેથી દેશી દારૂ મેળવીને પીધો હતો. જો કે, દારૂ પીધાના થોડા જ સમયમાં બંનેની તબિયત લથડી હતી અને જોતજોતામાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા.
દારૂમાં ઝેર કે કેમિકલ ભેળવાયાનું અનુમાન
એક સાથે બે વ્યક્તિઓના મરણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch) નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ સામાન્ય મોત નથી, પરંતુ દેશી દારૂ બનાવતી વખતે તેમાં નશાનું પ્રમાણ વધારવા માટે કોઈ ઘાતક કેમિકલ અથવા ઝેરી પદાર્થની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે. મોતનું સચોટ અને વૈજ્ઞાનિક કારણ જાણવા માટે પોલીસે બંને મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા ફિઝિકલ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic PM) કરવામાં આવશે. તેના રિપોર્ટ બાદ જ લઠ્ઠાકાંડ કે ઝેર અંગે સત્તાવાર ખુલાસો થશે.
આ પણ વાંચો: Surat: બેંકમાં રૂમાલ બતાવી 2 લાખની નજરચૂકવ લૂંટ, વડોદરાના ગુનાનો આરોપી લિંબાયત પોલીસના સકંજામાં