ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટમાં દારૂના કાળા કારોબાર પર અત્યાર સુધીનો મોટો પ્રહાર કર્યો છે. SMC દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે પર હલેન્ડા ગામ નજીક એક ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. બુટલેગરો દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અપનાવાયેલી નવી કીમિયો આ રેડમાં ખુલ્લી પડી ગઈ છે.
ડિટર્જન્ટ પાવડરની આડમાં ચાલતું હતું સ્મગલિંગ
ઘટનાની મળતી વિગતો અનુસાર, હલેન્ડા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ટ્રકને એસએમસીની ટીમે અટકાવીને તેની તલાશી લીધી હતી. ટ્રકની અંદર તપાસ કરતા ઉપરના ભાગે ડિટર્જન્ટ પાવડરના મોટા જથ્થાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 63.14 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત વાહન અને ડિટર્જન્ટ પાવડર સહિત કુલ 97.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીઓ થયા ફરાર, 4 વિરૂદ્ધ ગુનો દાખલ
SMCના આ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી કોઈ આરોપી પોલીસના હાથે ઝડપાયો ન હતો. રેડ પહેલા જ બુટલેગરો વાહન મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રકના ડ્રાઈવર, ટ્રક માલિક, દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયર અને રાજકોટમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર સહિત કુલ ચાર અજાણ્યા શખ્સો સામે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસ વધુ તપાસ હાથ ધરી
આજીડેમ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પરથી પકડાયેલો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો - Rajkot : મેયર નેહલ શુક્લ એક્શન મોડમાં, પૂર્વ સત્તાધીશોના 846 કરોડના પ્રોજેક્ટ્સ પર મૂકી દીધી બ્રેક