રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણ અને વહીવટી તંત્રમાં એક બહુ મોટો ગરમાવો આવી ગયો છે. મનપાના વર્તમાન મેયર નેહલ શુક્લ દ્વારા લેવામાં આવેલા એક સપાટાભર્યા નિર્ણયને કારણે પૂર્વ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
846 કરોડના કામો પર બ્રેક
મહાનગરપાલિકામાં અગાઉના શાસકોના સમયમાં મંજૂર થયેલા અંદાજે 846 કરોડના મસમોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને કામોને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા છે. મેયર દ્વારા આ તમામ વિવાદાસ્પદ પ્રોજેક્ટ્સની આકરી સમીક્ષા અને ચકાસણી હાથ ધરવામાં આવી છે.
ઝોન મુજબના પ્રોજેક્ટ સહિતના કામોની સમીક્ષા
આ આકરા નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રોજેક્ટ્સમાં નક્કી થયેલો મસમોટો ખર્ચ અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. મેયરના નિર્ણયથી ચર્ચા ચાલે છે કે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ આદેશ અંતર્ગત મનપાના તમામ ઝોનલ કોન્ટ્રાક્ટ, ઝોન વાઇઝ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને અન્ય વિકાસ કાર્યોની ફાઈલો ફરીથી ખોલવામાં આવશે.
સમીક્ષા બાદ આગળનો નિર્ણય કરાશે
એન્જિનિયરિંગ અને ઓડિટ ટીમ દ્વારા આ કામોનું ઊંડાણપૂર્વક રી-વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ જ આ કામો આગળ વધારવા કે કાયમ માટે બંધ કરી દેવા તે અંગે આખરી નિર્ણય લેવાશે.
જનરલ બોર્ડની સમયમર્યાદા રદ કરાઈ
આ ઉપરાંત, મનપાના ઇતિહાસમાં એક મોટો વહીવટી ફેરફાર પણ કરવામાં આવ્યો છે. લોકશાહી ઢબે પ્રશ્નોતરી થઈ શકે તે માટે જનરલ બોર્ડ ચાલવાની જે જૂની સમય મર્યાદા હતી તેને પણ રદ્દ કરી દેવામાં આવી છે, જેથી હવે તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ શકશે. મનપાના પોતાના જ પૂર્વ શાસકો ના સમયના કામો પર વર્તમાન કમિટી અને મેયર દ્વારા તપાસના આદેશ અપાતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. આગામી દિવસોમાં સમીક્ષા રિપોર્ટ સામે આવ્યા બાદ આ પ્રોજેક્ટ્સમાં મોટો ધડાકો થવાની પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ